મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ‘પહેલે દેશ – તપવંદના’ કાર્યક્રમ યોજાયો
- પ.પૂ. સ્વામી શ્રી સત્યમિત્રાનંદગીરીજી મહારાજના 93મા પ્રાગટ્ય દિનની ઉજવણી કરાઈ
- રાજ્યના 23 જિલ્લામાંથી 161થી વધુ વાલ્મીકિ પંથના સંતો-મહંતો રહ્યા ઉપસ્થિત
સ્વામી શ્રી સત્યમિત્રાનંદગીરીજી મહારાજે પ્રભુભક્તિની સાથે રાષ્ટ્રભક્તિની દિશા આપી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશસેવા અને દેવસેવાના હિમાયતી છે
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પમાં ધર્મશક્તિનું યોગદાન પણ મળશે, એવો વિશ્વાસ છે
પ.પૂ. બ્રહ્મલીન સ્વામી શ્રી સત્યમિત્રાનંદગીરીજી મહારાજના 93મા પ્રાગટ્ય દિનની ઉજવણી નિમિત્તે ‘પહેલે દેશ – તપવંદના’ કાર્યક્રમ અમદાવાદના ટાગોર હોલ ખાતે યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આધ્યાત્મિક ચેતનાના અપૂર્વ ધની અને ભારત માતા મંદિરના સ્થાપક સ્વામીશ્રીનાં કાર્યોની સુવાસ આપણને સૌને અહીં લઈ આવી છે.
તેમણે વધુમાં કહ્યું કે, સ્વામી શ્રી સત્યમિત્રાનંદગીરીજી મહારાજે પ્રભુભક્તિ સાથે રાષ્ટ્રભક્તિની દિશા આપી છે. ધર્મ, વિજ્ઞાન અને રાષ્ટ્ર આ ત્રણ પ્રવાહમાં સમાજજીવન વહેતું હોય છે, તેવું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ દેશસેવા અને દેવસેવાના હિમાયતી છે.
તેમણે ઉમેર્યું હતું કે, સ્વામીજી વર્ષો સુધી પીડિતવર્ગ અને વંચિતોની મદદ કરવા સતત લોકો વચ્ચે રહ્યા છે. તેમણે કરેલાં સત્કાર્યોના પરિણામે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2015માં તેમને પદ્મભૂષણથી નવાજ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સંત એ જીવ અને શિવ વચ્ચેનો સેતુ છે. સ્વામીજીએ શિવભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ શીખવી છે અને જગદંબાની સાથે માં ભારતીનું પૂજન કરવાની પણ શીખ આપી છે. આવા સંતોના આશીર્વાદ મેળવવાનો અવસર મળ્યો તે મારા માટે સૌભાગ્યની વાત છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સંતોની આરાધના વિશે વાત કરતા કહ્યું કે, ભારતમાં વર્ષોથી સંતોનો મહિમા ગવાતો આવ્યો છે, પરલોકની સાથે આ લોકની વાત કરે તેવા સંતો, ઋષિઓ ભારતભૂમિએ આપ્યા છે અને સાધુ સંતોના પ્રેમ અને આશીર્વાદથી ભારતની ભૂમિ હંમેશાં ધમધમતી રહી છે. ગુજરાતને પણ અનેક સાધુ સંતોના આશીર્વાદ મળ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આવા પવિત્ર સંતોના આશીર્વાદ આપણા સૌ પર હંમેશાં વરસતા રહેશે અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પમાં ધર્મશક્તિનું યોગદાન પણ મળતું રહેશે, એવો વિશ્વાસ મુખ્યમંત્રી શ્રી એ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સમન્વય પરિવાર ગુજરાત રાજ્યના નવા એકમનો શુભારંભ કરાયો હતો તથા સાણંદ ખાતે સ્વામી શ્રી સત્યમિત્રાનંદગીરીજી મહારાજ સેવા કેન્દ્રના શુભારંભની જાહેરાત કરવામાં આવી હતી અને બોપલ તથા સાણંદ ખાતે ભારતરત્ન નાનાજી દેશમુખ સંકલિત સેવા કેન્દ્રના શુભારંભની જાહેરાત કરાઈ હતી.
આ પ્રસંગે રાજ્યમાંથી 23 જિલ્લામાંથી 161થી વધારે વાલ્મીકિ પંથના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ તથા ક્ષેત્ર વાલ્મિકી ધામ, ઉજ્જૈનના પીઠાધીશ્વર સંત શ્રી બાલયોગીજી ઉમેશનાથજી મહારાજ, રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્રિમ ક્ષેત્રના સંઘચાલક શ્રી ડૉ.જયંતીભાઈ ભાડેશિયા, અસારવાનાં ધારાસભ્ય શ્રી દર્શનાબહેન વાઘેલા તથા શ્રી રસિકભાઈ ખમાર સહિતના સમન્વય પરિવારના સભ્યો, ગાયત્રી પરિવાર, વાલ્મિકી પરિવાર અને રામકૃષ્ણ મિશન પરિવાર અને મોટી સંખ્યામાં સંતો-મહંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.