સાબર ડેરીના દરદભર્યા દ્રશ્યો: દૂધના ભાવ મુદ્દે તોફાન, એક પશુપાલકનું મૃત્યુ – પોલીસ પર પથ્થરમાર અને લાઠીચાર્જ
સાબર ડેરીમાં દૂધના ભાવ ઘટાડાને લઈને ઉગ્ર વિરોધ થયો, જેમાં એક પશુપાલકનું મોત થયું અને 4 પોલીસકર્મી ઘાયલ થયા. ટોળાએ ગેટ તોડી, પથ્થરમાર કર્યો અને પોલીસને લાઠીચાર્જ તેમજ ટીયરગેસ શેલથી જવાબ આપવો પડ્યો. 60થી વધુ લોકોની અટકાયત કરાઈ. સમગ્ર વિસ્તાર બફરઝોનમાં ફેરવાયો.

સાબરકાંઠાની પ્રસિદ્ધ સાબર ડેરી આજે એક શાંતિપૂર્ણ દૂધ ઉત્પાદન કેન્દ્ર નહીં, પણ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ. દૂધના ભાવમાં થયેલા ઘટાડા સામે ઉગ્ર વિરોધ નોંધાવવા આવેલા હજારો પશુપાલકોની ભીડ બેકાબૂ બનતા સમગ્ર ડેરી કૌભાંડમાં ફસાઈ ગઈ. ઇડર તાલુકાના જિંજવા ગામના પશુપાલક અશોકભાઈ ચૌધરીનું મૃત્યુ થતાં મામલો ગંભીર બની ગયો છે.
વિવાદ શું છે?
સાબર ડેરી દ્વારા વર્ષ 2025 માટે દૂધના ભાવમાં માત્ર 9.75% વધારો જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે ગયા વર્ષે આ વધારો 17% જેટલો હતો. આ સાથે પાછલા વર્ષે 602 કરોડ રૂપિયાનું વિતરણ થયેલ હતુ, જ્યારે ચાલુ વર્ષે માત્ર 500 કરોડ ફાળવવામાં આવ્યા છે. આથી અરવલ્લી અને સાબરકાંઠાના હજારો પશુપાલકોએ આ નિર્ણય સામે ઉગ્ર અવાજ ઊભો કર્યો છે.
ડેરી સામે પોલીસ છાવણી છતાં ભીડે તોડફોડ મચાવી
ડેરી પર અગાઉથી જ 100થી વધુ પોલીસ કર્મીઓ, વજ્ર વાન, બસો અને બાઉન્સરો સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમ છતાં, જ્યારે પશુપાલકોને અંદર પ્રવેશ ન મળ્યો ત્યારે ગેટ તોડી ભીડ ડેરીમાં ઘુસી ગઈ. પોલીસકર્મીઓ સાથે ધક્કામુકી અને હાથાપાઈ થઈ. આ દરમ્યાન અશોકભાઈ ચૌધરી ગંભીર રીતે ઘાયલ થયા અને તેમનું મોત થયું.
પથ્થરમાર અને લાઠીચાર્જ: પોલીસનો પ્રતિસાદ
ભીડે પોલીસ ઉપર પથ્થરમાર કર્યો હતો જેમાં 4 પોલીસકર્મી ઘાયલ થયા. પોલીસએ જવાબમાં લાઠીચાર્જ કર્યો અને ટોળાને વિખેરવા માટે 70થી વધુ ટિયર ગેસના શેલ છોડ્યા. ડેરીના મુખ્ય ગેટને નુકસાન થયું છે. ભીડે બાઉન્ડ્રી વોલ અને વાહનો પર પણ તોડફોડ કરી.
60થી વધુ લોકોની અટકાયત, ટ્રાફિકજામનો કહેર
આ બબાલને પગલે સાબર ડેરીથી મોતીપુરા અને શામળાજી-અમદાવાદ હાઈવે સુધી ટ્રાફિક જામ થઈ ગયો. પાંચ કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગતા વાહનચાલકો ત્રાહીમામ પોકારવા લાગ્યા. હિંમતનગરના રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા હતા. પોલીસએ 60થી વધુ લોકોની અટકાયત કરી છે અને ડેરી પ્રાંગણનો કબ્જો લઇ લીધો છે.
પશુપાલકોના રોષથી હલતી ડેરી વ્યવસ્થા
સાબર ડેરી સાડા ત્રણ લાખથી વધુ પશુપાલકો માટે આજીવિકા છે. જ્યારે આવી ડેરી પરિવર્તનની જાહેરાત વિના દૂધના ભાવમાં ઘટાડો કરે, ત્યારે રોષ ઉપજવો સ્વાભાવિક છે. પરંતુ આ રોષે હિંસક સ્વરૂપ ધારણ કરતા હવે સંસ્થા અને સરકાર બંને માટે જાગવાની ઘડી છે.